top meet
અમારા માસીક ન્યુઝલેટર મેળવવા તમારુ ઇ-મેઇલ એડ્રેસ એંટર કરો

આ વેબસાઇટ ને લગતા બીજા કોઇ પ્રશ્નો માટે
વેબમાસ્ટરને ઇ-મેઇલ કરો.

: સલાહસૂચક કડીઓ :

Dada Bhagwan
Dadashri.org

 

 

મોક્ષપ્રાપ્તિ

 
 

મોક્ષે જવાની ઇચ્છા કોને ન હોય ? પણ જવાનો માર્ગ સાંપડવો કઠીન છે. મોક્ષમાર્ગના નેતા સિવાય એ માર્ગે દોરી કોણ જાય ?

પૂર્વે જ્ઞાનીઓ, તીર્થંકરો થઇ ગયા ને કેટલાયનો મોક્ષનો ધ્યેય સિદ્ધ કરાવી ગયા. વર્તમાનમાં તરણતારણ જ્ઞાની પુરુષ 'દાદાશ્રી ' થકી એ માર્ગ ખુલ્લો થાય છે, અક્રમ માર્ગ થકી! ક્રમે ક્રમે ચઢવાનું ને અક્રમે ચઢવાનું, એમાં કયુ સહેલું ? પગથિયા કે લિફ્ટ? અ કાળમાં લિફ્ટ જ પોષાયને સહુ કોઇને !

'આ કાળમાં આ ક્ષેત્રથી સીધો મોક્ષ નથી' એમ શાસ્ત્રો વદે છે. પણ વાયા મહાવિદેહ ક્ષેત્રથી શ્રી સીમંધર સ્વામીના દર્શનથી મોક્ષની પ્રાપ્તિનો માર્ગ તો ચાલુ જ છેને, ઘણાકાળથી ! સંપૂજ્ય દાદાશ્રી એ માર્ગે મુમુક્ષુઓને પહોંચાડે છે, જેની પ્રાપ્તિની ખાત્રી મુમુક્ષુને નિશ્ચયથી વર્તાય છે.

આ કાળમાં આ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર છે નહીં, પણ આ કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી બિરાજે છે અને ભરત ક્ષેત્રના મોક્ષાર્થી જીવોને મોક્ષે પહોંચાડ્યા કરે છે. જ્ઞાનીઓ એ માર્ગથી પહોંચી અન્યને એ માર્ગ ચીંધે છે.

પ્રત્યક્ષ-પ્રગટ તીર્થંકરની ઓળખાણ થવી, તેમની ભક્તિ જાગવી ને તેમનું દિન-રાતનું અનુસંધાન કરી લેવું અને અંતે તેમના પ્રત્યક્ષ દર્શન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એ જ મોક્ષની પ્રથમથી અંતિમ કેડી છે, એમ જ્ઞાની સૂચવે છે.

શ્રી સીમંધર સ્વામીની આરાધના જેટલી વધુને વધુ થાય તેટલું તેમની સાથેનું અનુસંધાન સાતત્ય વિશેષ ને વિશેષ રહે, જેનાથી એમની સાથેનું ઋણાનુબંધ ગાઢ બને. અંતે પરમ અવગાઢ સુધી પહોંચી ને તેમના ચરણકમળમાં જ સ્થાનપ્રાપ્તિની મહોર મરાય છે !

શ્રી સીમંધર સ્વામી સુધી પહોંચવા પ્રથમ તો આ ભરત ક્ષેત્રના સર્વ ઋણાનુબંધોથી મુક્તિ મેળવવી જોઇએ. અને તે મળે અક્રમજ્ઞાન થકી પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાન અને પાંચ આજ્ઞાઓના પાલન થકી ! અને શ્રી સીમંધર સ્વામીની અનન્ય ભક્તિ, આરાધન દિન-રાત કરતાં કરતાં તેમની જોડે ઋણાનુબંધ બંધાય છે, જે આ દેહ છૂટતાં જ ત્યાં જવાનો રસ્તો કરી આપે છે !

કુદરતી નિયમ એવો છે કે આંતરિક પરિણતીઓ જેવી હોય, તે મુજબ આવતો જન્મ નક્કી થાય. અત્યારે ભરતક્ષેત્રમાં પાંચમો આરો ચાલે છે. મનુષ્યો બધા કળિયુગી છે. અક્રમ વિજ્ઞાન પામી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે ત્યારથી આંતરિક પરિણતીઓ એકદમ ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે. કળિયુગમાંથી સતયુગી બને છે. અંદર ચોથો આરો વર્તાય છે. બહાર પાંચમો ને અંદર ચોથો આરો ! અંદરની પરિણતીઓ ફેરફાર થવાથી જ્યાં ચોથો આરો ચાલતો હોય ત્યાં મૃત્યુ પછી આ જીવ ખેંચાય છે અને એમાં શ્રી સીમંધર સ્વામીની ભક્તિથી તેમની જોડેનું ઋણાનુબંધ ઓલરેડી (પહેલેથી) બાંધી દીધેલું જ હોય છે તેથી તેમના સમીપમાં, ચરણોમાં ખેંચાય છે એ જીવ ! આ બધા નિયમો છે કુદરતના !

પૂજ્ય શ્રી દાદાશ્રી પાસેથી સીમંધર સ્વામીનું અનુસંધાન સંધાયા પછી દિનરાત સીમંધર સ્વામીની ભજના ચાલુ થઇ ગયેલી. ત્યારથી ખૂબજ ભાવ રહ્યા કરતા કે ઘેર ઘેર સીમંધર સ્વામીની પ્રતિમાજીઓ બિરાજે જે પ્રત્યક્ષ હાજરી વર્તાવે છે ભક્તિ કરતાં કરતાં કરતાં !

પૂજ્યશ્રી સાથેનો એક પ્રસંગ છે. ઔરંગાબાદમાં પૂજ્યશ્રી પગે ફ્રેક્ચર થયા પછી ચાર મહિના આરામમાં હતા. મહાત્મા સુનિલાબેનને પ્રતિમાજીની ઘેર પધરામણી કરાવવાની ખૂબ ભાવના હતી. પણ લૌકિક, ક્રમિક તેના નિયમો કડક પળાય તેવી શક્તિ ન હતી. તેથી તેઓએ પૂજ્યશ્રીને સીધું જ પૂછ્યુ, 'દાદા, સીમંધર સ્વામી ની પ્રતિમાજી ઘેર પધરાવવાની ખૂબ ઇચ્છા છે. પણ બહારગામ ગયા હોઇએ ત્યારે પૂજા ના થાય, મંદિરોમાં કરે છે તેવું પ્રક્ષાલન પૂજન અર્ચન ન થાય તો દોષ લાગે ? '

ત્યારે પૂ. દાદાશ્રીએ કહ્યુ, 'ના, આપણને દોષ ના લાગે. આપણે તો ભક્તિ માટે ભાવથી મૂર્તિ રાખીએ છીએ. આપણે ક્યાં ક્રમિકની રીતે જવું છે ? આપણું તો અક્રમ છે. લૌકિક રીતે સ્થાપના કરે મૂર્તિની, તેને પછી લૌકિક કાયદાઓ લાગુ પડે. આપણું તો અલૌકિક છે. ભાવ વિજ્ઞાન છે. તેથી ભક્તિભાવ માટે ખૂબ જ સારું છે. મૂર્તિ રાખવામાં કોઈ વાંધો નહિ. આપણાથી ભગવાન સીમંધરની મૂર્તિ ઘેર રખાય. એને કોઈ કાયદાઓ લાગુ નથી પડતા. આ તો જીવતા ભગવાન છે ! પ્રત્યક્ષ જ છે, મૂર્તિ નથી' !

સંપૂજ્ય દાદાશ્રી કાયમ કહેતા કે મૂળનાયક સીમંધર સ્વામીના ઠેર ઠેર દેરાસરો બંધાશે, ભવ્ય દેરાસરો બંધાશે, ઘેર ઘેર સીમંધર સ્વામીની પૂજા આરતીઓ થશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર થઈ ગયો હશે ! અને ભગવાન સીમંધરની ભક્તિ તેમના વિશે જરાક વાત કરતાં જ લોકોના હ્યદયમાં ચાલુ થઈ જાય છે !

દિનરાત સીમંધર સ્વામીને દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કર્યા કરવાના. દરરોજ સીમંધર સ્વામીની આરતી, 40 વખત નમસ્કાર વિધિ કરવાના. (બને તો 40 વખત સાષ્ટાંગ દંડવત્ સાથે થાય તો ઉત્તમ એવું સહજ સૂચન)

સીમંધર સ્વામીની પ્રાર્થના, વિધિ અને સીમંધર સ્વામીના ચરણોમાં સદા મસ્તક રાખી અનન્ય શરણાંની સતત ભાવનામાં રહેવું. સંપૂજ્ય શ્રી દાદાશ્રી એ વારેવારે કહેલું છે કે અમે પણ સીમંધર સ્વામી પાસે જવાના ને તમે પણ ત્યાં જ પહોંચવાની તૈયારી કરો. એ સિવાય એકાવતારી કે બે અવતારી થવું મુશ્કેલ છે ! ફરી પાછો જન્મ જો આ જ ભરતભૂમિમાં થાય તો હળહળતો પાંચમો આરો ચાલતો હોય ત્યાં મોક્ષની વાત તો બાજુએ રહી પણ પાછો મનુષ્યભવ મળવો પણ દુર્લભ છે ! એવા સંજોગોમાં અત્યારથી જ ચેતીને, જ્ઞાનીઓએ બતાવેલા માર્ગને પકડી લઈને, એકાવતારી પદની જ પ્રાપ્તિ કરી લઈએ ! ફરી ફરી આવો તાલ ખાય એવો નથી. વહેતાં પાણીના વહેણને ફરી પકડાય નહિ. વહેતો સમય પાછો પકડાય નહિ. આવેલી તક ગુમાવે તેને ફરી તક મળવાનો તાલ ખાય નહિ માટે આજથી જ મંડી પડીએ ને ગાયા કરીએ....,શ્રી સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો !

સીમંધર સ્વામી કોણ ? ક્યાં છે ? કેવા છે ? એનું ક્યું પદ છે ? તેમ જ તેમનું મહત્વ કેટલું છે તેની સમગ્ર શક્ય તેટલી માહિતીઓ પૂજ્ય શ્રી દાદાશ્રી સ્વમુખે નીકળેલી તેનું અત્રે સંકલન થઈ પ્રકાશિત થાય છે. જે મોક્ષમાર્ગીઓને એમની આરાધના માટે અતિ અતિ ઉપયોગી નિવડશે !

જય સચ્ચિદાનંદ

ડૉ. નીરુબહેન અમીન

 
     
  bottom meet  
કોપીરાઈટ 2006 . અદભુત પ્રભુ /ભગવાન-સીમંધર સ્વામી