હે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક, પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનની સાક્ષીએ, આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી આપનું અનન્ય શરણું સ્વીકારું છું. હે પ્રભુ ! આપના ચરણકમળમાં મને સ્થાન આપી અનંતકાળની ભયંકર ભટકામણનો અંત લાવવા કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો !
હે વિશ્વવંદ્ય એવા પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુ, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. પણ અજ્ઞાનતાના કારણે મને મારું પરમાત્મ સ્વરૂપ સમજાતું નથી, તેથી આપના સ્વરૂપમાં જ હું મારા સ્વરૂપના નિરંતર દર્શન કરું, એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !
હે પરમતારક દેવાધિદેવ, સંસારરૂપી નાટકના આરંભકાળથી આજના દિવસની અદ્યક્ષણ પર્યંત, કોઇ પણ દેહધારી જીવાત્માના મન-વચન-કાયા પ્રત્યે, જાણ્યે-અજાણ્યે જે અનંત દોષો કર્યા છે, તે પ્રત્યેક દોષોને જોઇને, તેનું પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો. આ સર્વે દોષોની હું આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો ! અને મારાથી ફરી આવા દોષો ક્યારેય ન થાય તેવો દ્રઢ નિર્ધાર કરું છું. આ માટે મને જાગૃતિ અર્પો; પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !
પોતાના પ્રત્યેક પાવન પગલે તીર્થ સ્થાપનાર હે તીર્થંકર શ્રી સીમંધર સ્વામી પ્રભુ ! જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરાધકભાવ અને સર્વે સમકિતી જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ મારા હ્યદયમાં સદા સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો ! ભૂત, ભવિષ્ય ને વર્તમાન કાળના સર્વ ક્ષેત્રોના સર્વ જ્ઞાની ભગવંતોને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો ! હે પ્રભુ, આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી કરીને મને આ ભારતક્ષેત્રમાં આપના પ્રતિનિધિ સમાન કોઇ જ્ઞાની પુરુષનો, સત્ પુરુષનો સત્ સમાગમ થાય અને એમનો કૃપાધિકારી બની આપના ચરણ કમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું.
હે શાસન દેવદેવીઓ ! હે પાંચાગુલિ યક્ષિણીદેવી તથા હે ચાંદ્રાયણ યક્ષદેવ ! હે શ્રી પદ્માવતીદેવી ! અમને શ્રી સીમંધર સ્વામીના ચરણ કમળમાં સ્થાન પામવાનાં માર્ગમાં કોઇ વિઘ્ન ન આવે, એવું અભૂતપૂર્વ રક્ષણ આપવાની કૃપા કરો અને કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહેવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !
"સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો "